મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વલસાડ શહેરી વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી બસ સેવાનો પ્રારંભ કરાવશે.
વલસાડ: તા.૧૨: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વલસાડ નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધાનો લીલીઝંડી બતાવી શુભારંભ કરાવશે. વલસાડ શહેરમાં આ સીટી બસના ૦૬ રૂટો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વલસાડ સ્ટેશનથી BAPS સ્વામિનારાયણ મંદિર-તિથલ સુધી, વલસાડ સ્ટેશનથી ગુંદલાવ જી.આઈ.ડી.સી. સુધી, વલસાડ સ્ટેશનથી સીવીલ હોસ્પિટલ સુધી, વલસાડ સ્ટેશનથી વાયા અબ્રામા-ધરમપુર રોડ થઈ આર.ટી.ઓ. ઓફિસ સુધી, વલસાડ સ્ટેશનથી અતુલ સુધી, વલસાડ સ્ટેશનથી વાયા પોલીટેકનીક કોલેજ થઈ કોસંબાના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શહેરી પરિવહન બસ સુવિધા હેઠળ ગુજરાતની ૦૮ મહાનગરપાલિકાઓ તથા ૨૨ “અ” વર્ગની નગર પાલિકાઓનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી વલસાડ નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા કુલ-૦૭ બસો ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા (CMUBS) અંતર્ગત નેટ કોસ્ટ કોન્ટ્રાકટ ધોરણે અને સીટી બસ સેવા પીપીપી ધોરણે શરૂ કરવામાં આવી છે. જે અન્વયે એજન્સી દ્વારા એક સીટી બસની કિંમત અંદાજે રૂા.૩૦ લાખ એમ કુલ ૦૭(સાત) બસ અંદાજે રૂા.૨.૧૦ કરોડના ખર્ચે વલસાડ શહેર વિસ્તારમાં ૦૬ રૂટો ઉપર સીટી બસની સુવિધા શરૂ કરવામાં આવશે. વલસાડના લોકોને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મળેલી આ ભેટ સ્થાનિક પરિવહન માટે ખૂબ ઊપયોગી નીવડશે અને સેવાઓનો લાભ લોકોને મળે એવા શુભઆશય સાથે આ સેવાનો પ્રારંભ કરાશે.
વલસાડ માં ગાંધી લાઈબ્રેરીમાં વકૃત્વ સ્પર્ધા યોજાઇ
વલસાડ તા. ૧૨: રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વલસાડ જિલ્લામાં થનાર છે ત્યારે વલસાડ નગરપાલિકા અને તન્મય ચેરીટેબલ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે ગાંધી લાઈબ્રેરીમાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંતર કોલેજ અને ઓપન વિભાગમાં કુલ ૩૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, તુમ ચલો તો હિન્દુસ્તાન ચલે, આઝાદીના અમૃત મહોત્સવ, સ્વતંત્ર ભારતનાં શિલ્પીઓ, હું ગુજરાતી, મારી માતૃભાષા ગુજરાતી જેવા વિષયો પર વક્તવ્ય આપ્યું હતું.
આ સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે હિરેન શાહ અને ખ્યાતિ સામાણીએ સેવા આપી હતી. રોફેલ કોલેજ વાપીના મુકેશ દેસાઈ પ્રથમ ક્રમે, બીજા નંબરે શાળાના શિક્ષિકા બીના મહેતા અને ત્રીજા ક્રમે કે. પી. કોમર્સ કોલેજ સુરતના માંગુકિયા દિશા વિજેતા જાહેર થયા હતા. વલસાડનાં નિવાસી અધિક કલેકટર અનસૂયા ઝા, ડેપ્યુટી કલેકટર શ્વેતા પટેલ, રોજગાર અધિકારી પારૂલ પટેલ, વલસાડ પાલિકાનાં ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલે ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સ્પર્ધામાં વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધાના સહયોગી તરીકે ત્રયમ ફાઉન્ડેશન, રોટરી ક્લબ, ઇન્ટરેક્ટ ક્લબ અને શિલ્પા ચેરીટેબલ ટ્રસ્ટ જોડાયા હતા. આભારવિધિ તન્મય ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દીપેશ શાહે કરી હતી. સમગ્ર આયોજન નગરપાલિકાનાં ઇજનેર હિતેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ધરમપુરની માલનપાડા મોડેલ સ્કૂલમાં બાળમેળો યોજાયો
વલસાડ તા.૧૨: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા ગામની મોડેલ સ્કૂલમાં લાઈફ સ્કિલ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ધો. 6 થી 8 ના બધા જ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ લાઈફ સ્કિલ બાળ મેળામાં વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલા જીવન કૌશલ્ય મુજબ વિવિધ પ્રવૃત્તિઓનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રવૃત્તિઓમાં ચિત્રકલા, કેશ-ગુફન, મહેંદી, સાદડી, સાવરણી, ટોપલી, પેપર ક્રાફટની વસ્તુઓ બનાવવી, લાકડામાં ખીલી ઠોકવી, ફ્યુઝ બાંધવો, હોલ્ડરમાં બલ્બ લગાવવો, સિલિન્ડરમાં રેગ્યુલેટર ફીટ કરવું, ટાયર પંચર શોધવું અને બનાવવું વગેરેનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પોતે બનાવેલા વિવિધ પ્રકારના નાસ્તાના સ્ટોલ લગાવ્યા હતા, જેમાં સેવપુરી,પાણીપુરી, વડાપાઉ, ભેલ,ટી-સ્ટોલ, મન્ચુરિયન, સેન્ડવીચ, બટાકા પૌવા, લીંબુ પાણી વગેરેનો સમાવેશ થયો હતો. આ પ્રવૃત્તિઓમાં શાળાના ધો. 9 અને ધો. 11 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ શાળાના અન્ય વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક માણ્યો હતો. શાળાના આચાર્ય ડૉ.વર્ષાબેન પટેલ તેમજ શાળાના સમગ્ર સ્ટાફમિત્રોએ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
મહામહિમ રાજ્યપાલ વલસાડ જિલ્લા પ્રવાસે
વલસાડઃ તા.૧૨: ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત મહામહિમ રાજ્યપાલ આચાર્ય
દેવવ્રત તા.૧૪ ૦૮ ૨૦૨૩ના રોજ સવારે ૧૦-૪૫ કલાકે હવાઇ માર્ગે મોટાપોંઢા હેલીપેડ ઉપર આવશે, ત્યાં રાજ્યપાલનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાશે. ત્યારબાદ મોટર માર્ગે રવાના થઇ ૧૧-૦૦ કલાકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટીની મુલાકાત કરશે. મુલાકાત બાદ અંભેટી આશ્રમ ખાતે યોજાનારા ખેડૂત સંમેલનમાં હાજરી આપી કાર્યક્રમ પૂર્ણ થયે મોટાપોંઢા હેલીપેડથી હવાઇમાર્ગે ગુંદલાવ હેલીપેડ ખાતે ૧૨-૫૦ કલાકે આવશે અને ત્યાંથી સર્કિટ હાઉસ ૧૨-૫૯ વાગે પહોંચશે.
રાજ્યપાલ સાંજે ૪-૩૦ કલાકે સી.બી. હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે એટહોમ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયે સરકીટ હાઉસ જશે. ત્યાંથી ૫.૫૫ વાગે મોટર માર્ગે રવાના થઇ સાંજે ૬-૩૦ કલાકે બલીઠા-વાપી ખાતે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે અને કાર્યક્રમ પૂર્ણ થયે, રાત્રે ૮-૩૦ કલાકે દમણ એ૨પોર્ટ જવા રવાના થશે.