ગારિયાધાર ખાતે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની આન, બાન, શાન સાથે ઉજવણી

ભાવનગરના ગારીયાધાર ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથેની ઉજવણી સરકારી સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.

જિલ્લા કક્ષાની ઉજવણીનો આ કાર્યક્રમ સંસદીય બાબતો, પ્રાથમિક, માઘ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

મંત્રીએ ધ્વજવંદન કરી, સલામી ઝીલી, પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતા અને પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ પણ જોડાયાં હતાં.

મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને ગારિયાધારની નાગરિકોને આપેલા ઉદબોધનમાં કહ્યુ હતું કે , સમાજના તમામ વર્ગોને સાથે લઈને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાની ઉજળી પરંપરા ભારતે વિકસિત કરી છે. "મારી માટી મારો દેશ", "હર ઘર તિરંગા" અને "તિરંગા યાત્રા" થકી દેશ ભક્તિનો માહોલ સમગ્ર દેશમાં છવાયેલો પણ છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલાં આહવાનને પગલે આપણાં ઘર, કચેરી, વ્યવસાયિક પ્રતિષ્ઠાનો, ઔદ્યોગિક ગૃહો આ દરેકે - દરેક જગ્યાએ તિરંગો લહેરાવીને ’મા’ ભારતીનું ગૌરવગાન કર્યું છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ પોતાનું રાજ્ય રાષ્ટ્રને ચરણે ધરી દીધું હતું. સરદાર વલ્લભભાઇ પટેલે ૫૬૨ રજવાડાઓ એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તો ગાંધીજીએ આખી આઝાદીની લડતનું નેતૃત્વ લીધું હતું. આવાં વીર સપૂતો થકી જ રાષ્ટ્ર એકતાના તાંતણે બંધાયું છે. ત્યારે આવાં મહાનુભાવોના સત્કર્મોને યાદ કરી હું તેમને હું નતમસ્તક વંદન કરું છું.

મંત્રીએ વધુમાં કહ્યું કે, એક ભારત - શ્રેષ્ઠ ભારતના મહામંત્રને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ રાષ્ટ્રના વિકાસની ગતિને બમણાં વેગથી આગળ ધપાવી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીએ એક જ ઝાટકે કલમ ૩૭૦ અને ૩૫-એ ની નાબૂદીના હિંમતભર્યા પગલાને કારણે આજે સાચા અર્થમાં એક અને અખંડ ભારતનુ સ્વપ્ર મૂર્તિમંત થઈ શક્યું છે.

કોરોના મહામારીમાં વડાપ્રધાના દૂરંદેશી પગલાઓની નોંધ સમગ્ર વિશ્વએ લીઘી છે. લોકડાઉન બાદ રાષ્ટ્રના વિકાસને પુનઃ વેગવાન બનાવવાં જાહેર કરેલા આત્મનિર્ભર ભારત પેકેજ થકી દેશવાસીઓમા પુનઃ ઉત્સાહ અને ઉમંગનો સંચાર થયો છે. કોરોના જેવી મહામારીમાંથી બહાર આવીને સમગ્ર દેશ હવે વિકાસના પાટા પર પૂરપાટ ઝડપે દોડી રહ્યો છે. ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં અવિરત જનસેવા, વિકાસની આરાધનાનું અનુષ્ઠાન કર્યું છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૦૧ માં શાળાઓનો ડ્રોપ આઉટ રેશિયો ૨૦%થી વધુ હતો એ આજે ૧ % થી પણ ઓછો થયો છે એ માટે સરકાર શાળા પ્રવેશોત્સવ થકી છેવાડાના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે એ માટે કટિબદ્ધ છે.

તેમણે જણાવ્યું કે, ગામમાં પણ પાકા રસ્તા, શૌચાલયની સુવિધા, ૨૪ કલાક વીજળી આપીને શહેરો જેવાં બનાવ્યાં છે. રાજ્યમાં સ્માર્ટ સિટી વિકસિત થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

છેવાડાના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આઝાદીના આ વર્ષે ભારત નવી દિશામાં આગળ વધી રહ્યું છે. આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. આજે આત્મનિર્ભર ભારત થકી બોર્ડર પર મૂકવામાં આવેલ ટેક્ર પણ સુરતમાં બની રહી છે. આયુષ્માન ભારત કાર્ડ દ્વારા આજે ગરીબ પરિવાર પણ મોંઘી હોસ્પિટલોમાં સારવાર લઈ શકે છે. એના માટે આયુષ્યમાન કાર્ડની લિમિટ પ લાખથી વધારીને ૧૦ લાખ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મંત્રીના હસ્તે જિલ્લાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો હતો.

આ ઉજવણીમાં એન.સી.સી કેડેટ્સ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ યોજી ત્રિરંગાને સલામી અપાઈ હતી . શાળાના બાળકોએ યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસંગે મંત્રીએ ભાવનગર જિલ્લાની શ્રેષ્ઠ શાળા મોડલ સ્કૂલ માનવડ, પોલીસ, આરોગ્ય, ૧૦૮ એમ્બ્યુલન્સ, વન વિભાગ, યોગ બોર્ડ, પંચાયત તથા શિક્ષણ વિભાગ ઉપરાંત વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય સેવાને સન્માનીત કરી બિરદાવી હતી.

ધ્વજવંદન બાદ મંત્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યું . હતું . પરેડનું નિરીક્ષણ પ્રોબેશનરી ડી.વાય.એસ.પી. એમ.વી.દેસાઈએ કર્યું હતું . અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિતુલભાઈ રાવલે કર્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, જિલ્લા કલેકટર આર.કે.મહેતા, જિલ્લા વિકાસ ડો.પ્રશાંત જીલોવા રિજિયોનલ મ્યુનિસિપલ કમિશ્રર પી.જે.ભગદેવ, પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેકટર બી.જે.પટેલ, પ્રાંત અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના ચેરમેન કેશુભાઈ નાકરાણી, મામલતદાર સહિતનાં પદાધિકારી - અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Post a Comment (0)
Previous Post Next Post