કચ્છની રણકાંધીએ આવેલા અબડાસા અને લખપત જેવા દુર્ગમ વિસ્તારમાં કે પશુપાલન કે વ્યવસાયનું બાહુલ્ય ધરાવતાં બન્ની ક્ષેત્રમાં ભરઉનાળે ડેમ- તળાવો-જળાશયોમાં પાણી લહેરાતાં હોય એવી રોમાંચક કલ્પના સાકાર થવાની સંભાવના ઉજ્જવળ બની છે. રાજ્ય સરકારે કચ્છને ચોમાસાંમાં મળનારાં વધારાનાં ૧૦ લાખ એકર ફીટ પાણીની બીજા તબક્કાની યોજના વર્ષ ૨૦૨૫ની આખર સુધી પૂર્ણ કરી લેવાની જાહેરાત કરતાં કચ્છભરમાં ખુશીની લહેર ફરી વળી છે.
ગુજરાત પાણી પુરવઠા- જળસંપત્તિ મંત્રીએ આપેલી વિગતો કચ્છનાં ખેતી, પશુપાલન અને ઉદ્યોગ ક્ષેત્ર માટે વિકાસની નવી સંભાવનાઓ જગાવનારી છે. કુંવરજીભાઇ?બાવળિયાએ કહ્યું કે, વધારાનાં પાણીની યોજના બે વર્ષમાં સંપન્ન થતાં અંજાર, મુંદરા, માંડવી, ભુજ ઉપરાંત તીવ્ર જરૂરિયાતવાળા અબડાસા, લખપત, નખત્રાણા તથા રાજ્યનાં ૧૩૦ ગામના ૧.૭૨ લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ મળતો થશે.
અહીં એ નોંધનીય છેકે, નર્મદાની સિંચાઇની કેનાલ- કચ્છ શાખા નહેર સલીમગઢથી અંતિમ બિંદુ મોડકુબા સુધી પહોંચી ચૂકી છે. એના દ્વારા ૧.૧૨ લાખ?હેક્ટર ભૂમિને સિંચાઇ થશે. વધારાનાં પાણી દ્વારા વધુ ૧.૭૨ લાખ?હેક્ટર ઉમેરાઇજતાં કચ્છમાં કુલ ૨.૮૪ લાખ હેક્ટર ભૂમિને નર્મદાનાં નીરનો લાભ મળતો થશે. બીજા તબક્કા હેઠળ રૂ. ૨૩૦૫ કરોડની કિંમતે બે ઉદ્દહન પાઇપલાઇનની કામગીરીને વહીવટી મંજૂરી મળી છે.
નર્મદાનાં વધારાનાં પાણીની યોજના આખાં કચ્છ માટે મહત્ત્વની છે, પરંતુ સીમાવર્તી અબડાસા-લખપત અને નખત્રાણાના દુર્ગમ ઇલાકાઓ માટે તો ભારે મહત્ત્વાકાંક્ષી છે. કચ્છની દાયકાઓ જૂની ઝંખનાની પૂર્તિની દિશામાં મહત્ત્વપૂર્ણ કદમ છે. આને કચ્છનાં સ્વાભિમાનની, કચ્છીઓની સહિષ્ણુતાની જીત પણ લેખાવી શકાય. નર્મદા યોજનાની કોઇપણ હકારાત્મક વાત કચ્છીઓ માટે આનંદદાયક હોય છે. ગુજરાતમાં આ યોજનાનો ઝડપભેર અમલ થયો.
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પીવાનાં પાણી ૬૦૦ કિલોમીટર દૂરથી કચ્છ પહોંચતાં થયાં, એ પછી તબક્કાવાર કચ્છ શાખા નહેરનાં કામ પણ પૂરાં થયાં. એ પછી વધારાનાં પાણીની યોજનાના અમલ પર મીટ?એટલા માટે મંડાઇ હતી કે, જળાશયો નર્મદાનીરથી ભરીને આખાં કચ્છને તેનો લાભ મળવાનો છે. ગયાં વરસે ૧૮મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનાં સુશાસનના ૧૨૧ દિવસ પૂર્ણ થયા, એ નિમિત્તે કચ્છનાં વધારાનાં પાણીની યોજનાને વહીવટી મંજૂરી આપી હતી.
ઇતિહાસમાં ડોકિયું કરીએ તો નર્મદા યોજનાનું સપનું સાકાર થવામાં કચ્છ માટે ચાર-ચાર મુખ્યમંત્રીએ ભાગ ભજવ્યો છે. નેવુંના દાયકામાં તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલના કાર્યકાળમાં ઉદ્ભવેલી યોજના નરેન્દ્ર મોદીનાં શાસન દરમ્યાન સૈદ્ધાંતિક સ્વીકૃતિ સાથે નક્કર સ્વરૂપ પામી. એના દોઢ દાયકે વિજય રૂપાણી સરકારે વિધિવત સૈદ્ધાંતિક મંજૂરી આપી અને હવે મૂળભૂત નક્કર કામ ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે થયું છે.
વિગતો જોઇએ તો ફેઝ-૧માં રૂ. ૪૩૬૯ કરોડનાં કામોને મંજૂરી અપાઇ, જે અંતર્ગત રૂ. ૩૩૭.૯૮ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા ચાર લિન્કનું આયોજન ક૨વામાં આવ્યું છે, જેના દ્વારા મુંદરા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ છ તાલુકાની ૩૮ જેટલી નાની- મધ્યમ સિંચાઇ યોજનામાં નર્મદાનાં નીર ઠાલવવાનું આયોજન છે. એકઝાટકે સાડા ચાર હજાર કરોડ જેવી રકમની ફાળવણી કરાઇ, એ પછી બીજા તબક્કા માટે વધુ રૂ. ૨૩૦૪ કરોડ ફાળવ્યા છે.
કચ્છને ધરપત એ વાતની છે કે, સૌની’ સહિતની યોજના પૂર્ણ થઇ ચૂકી હોવાથી કચ્છનાં કામોમાં કે ફાળવણીમાં વિલંબ નહીં થાય. વારંવાર દુષ્કાળ અને કુદરતી આફતોનો ભોગ બનતાં કચ્છ માટે નર્મદાનાં જળ અસ્તિત્વનો આધાર છે. કચ્છને જ ધ્યાનમાં રાખીને સરદાર સરોવર નર્મદા યોજના આકાર પામી, પણ સિંચાઇનાં પાણીની ફાળવણીથી માંડીને તેનાં અમલીકરણમાં નિષ્કાળજીને લીધે કચ્છે વર્ષો સુધી અવગણનાની લાગણીથી પીડાવું પડયું, ઘણું ગુમાવવું પડયું છે. સમૃદ્ધિ અને કૃષિ વિકાસમાં એક-દોઢ દાયકો કચ્છ પાછળ પડયું છે.
એ કડવી યાદોના ઇતિહાસની પુનરુક્તિ અહીં અસ્થાને છે અને જાગ્યા ત્યાંથી સવાર સમજીને વધારાનાં પાણીની યોજનાના સમયસ૨ અને ઝડપી અમલ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અહીં એ નોંધનીય છે કે, સીમાવર્તી અબડાસા અને લખપત અને બન્ની માટે નર્મદાજળની તીવ્ર જરૂરિયાત છે. અબડાસાના ધારાસભ્ય લગાતાર રજૂઆતો કરી હતી એની નોંધ લેવી રહી. ખડીર મહાલ પણ પાણી માટે નર્મદા ભણી મીટ માંડી બેઠો છે. બીજા તબક્કાના અમલ સાથે સરકારે કચ્છને અન્યાય દૂર કરી દીધો છે.
સમગ્ર યોજના પારદર્શિતા સાથે આગળ ધપાવાશે એવી આશા અસ્થાને નથી. જાણકારોના કહેવા અનુસાર કચ્છનાં જળાશયોની સંગ્રહક્ષમતાને જોતાં વધારાનાં પાણીનું અડધું પાણીએ કચ્છ વાપરી નહીં શકે. આ સંજોગોમાં ભવિષ્યમાં મધ્યમ સિંચાઇના નવા બંધો બાંધીને પાણીની સંગ્રહક્ષમતા વધારવામાં આવે એ પણ જરૂરી છે. પાણી અને ભૂમિની ઉપલબ્ધિકોઇપણ ક્ષેત્રના વિકાસ માટેની પૂર્વશરત છે.
કચ્છમાં જમીન મબલખ છે અને ધરતીકંપ પછી આવેલા ઉદ્યોગો અને હાઇબ્રીડ એનર્જી પાર્ક કે પવનચક્કીનાં આગમનનું કારણે વિશાળ જમીન જ છે, પરંતુ સ્થાપિત ઉદ્યોગો પાણીની અછત ભોગવી રહ્યા છે. એટલું જ નહીં, સિંચાઇના અભાવને લીધે ખેતીલાયક જમીન બિનઉપજાઉ પડી રહી છે. વધારાનાં નીરથી કચ્છમાં લીલી ક્રાંતિના ઊજળા સંજોગો નિર્માણ થયા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારને અભિનંદન. કચ્છના ધારાસભ્યો માટે પણ આ સફળતાનો અવસ૨ છે.