સરલા ઠકરાલને મળો લગભગ નવ દાયકા પહેલાં ભારતીય પરંપરાનું સન્માન જાળવીને સાડી પહેરીને અને આંખો પર ચશ્માં ચડાવીને વિમાન ઉડાડનાર પ્રથમ ભારતીય મહિલા વિમાનચાલક એ સરલા ઠકરાલ. લાહોરમાં ૧૯૩૬માં સરલાએ જિપ્સી મોથ નામના ટુ સીટર વિમાનનું સોલો ઉડ્ડયન કર્યું એ ધરતીથી માંડીને આસમાન માટે પણ અનોખી ઘટના હતી.
એનું કારણ એ હતું કે ત્યાં સુધી હવાઈ ઉડ્ડયનનો ઈજારો માત્ર પુરુષોનો જ હતો. કોઈ એ ક્યારેય વિમાન ઉડાડ્યું નહોતું, એટલું જ નહીં, વિમાન ઉડાડવાનો વિચાર સુધ્ધાં કર્યો નહોતો. એટલે જ વીસમી સદીના ચોથા દાયકામાં સરલા ઠકરાલે એકલા હવાઈ જહાજ હંકાર્યું ત્યારે એ ઘટનાની નોંધ આકાશે પણ લીધી અને પૃથ્વીએ પણ. સરલા ઠકરાલે સાડી પહેરીને વિમાન ઉડાડ્યું એ ભારત માટે ગૌરવની ક્ષણ હતી. હવાઈસુંદરી સરલા ઠકરાલે પ્રથમ ભારતીય મહિલા વિમાનચાલક બનીને વિક્રમ સર્જ્યો.
ઉડ્ડયન ક્ષેત્ર આમ તો પુરુષ પ્રધાન ગણાય, પરંતુ સરલાને ઉડાન માટેની પાંખો આપનાર પુરુષો જ હતા. દિલ્હીના નામી પરિવારમાં ૮ ઓગસ્ટ ૧૯૧૪ના જન્મેલી સરલાએ ઊડવા માટે સંઘર્ષ પણ કરવો પડ્યો નહોતો એ પણ એ જમાનાના સંદર્ભમાં વિસ્મય પમાડનારી બાબત ગણી શકાય. સરલાનું લાડકું નામ મતિ હતું.
સોળ વર્ષની ઉંમરે સરલાનાં લગ્ન પી.ડી. શર્મા સાથે થયાં. એ પાયલટ હતા. એમને પ્રથમ ભારતીય એરમેલ પાઈલટનું લાઈસન્સ મળેલું. એમણે કરાચી અને લાહોર વચ્ચે ઉડાન ભરેલી. માત્ર પી.ડી. શર્મા જનહીં, સરલાના સાસરામાં નવ સભ્ય હતા અને એ બધા જ પાયલટ હતા. સરલા એમની કામગીરી ઉત્કંઠાથી અને ઉત્સુકતાથી સાંભળતી. એમના હવાઈજહાજ ઉડાડવાના અનુભવો અંગે જાણીને રોમાંચિત થતી.
સામાન્યપણે લગ્ન થાય એટલે એની પાંખો કપાઈ જાય અને સાસરું સોનાનું હોય તોયી માટે પાંજરું બની જાય. પણ સરલાના કિસ્સામાં ઊંધું થયું. એને તો સાસરિયે પાંખો મળી. શર્મા પરિવાર પુરુષ સમાનતાનો પક્ષધર હતો. એનો લાભ સરલાને મળ્યો. પતિ પી.ડી. શર્માએ જોયું કે સરલાને વિમાન અંગે અને વિમાન ઉડાડવાની બાબતે જાણવાની, સાંભળવાની અને સમજવાની અપાર જિજ્ઞાસા છે. પતિએ પત્નીની આંખમાં ઊડવાનું સ્વપ્ન આંજ્યું. એની જિજ્ઞાસાને પાંખો આપી. અને કહ્યું : ‘તું પણ વિમાન ઉડાડી શકે !’
સરલા આશ્વર્યથી જોઈ રહી. એની મનોભૂમિમાં ઉડાન ભરવાનું બીજ રોપાયું. એને પહેલી જ વાર એવો અહેસાસ થયો કે ઊડવું એ જ પોતાનું સ્વપ્ન છે ! જોકે સમાજના ડરે આરંભે સરલાએ ઇનકાર કર્યો. પણ ખૂબ સમજાવટને અંતે પી.ડી. શર્માએ પત્નીને મનાવી લીધી. તોય પોતે વિમાન ઉડાડી શકશે કે નહીં એ બાબતે સરલાને થોડીક અવઢવ હતી, પણ પરિવારજનોએ પ્રોત્સાહન આપ્યું. વિમાન ઉડાડનાર એ પ્રથમ ભારતીય મહિલા બનવાની હતી. એ પણ પરિવારની પ્રેરણાને કારણે પરિવારમાં સસરા વડીલ હતા.
એમણે પુત્રવધૂનું સ્વપ્ન સાકાર કરવા માટેની પહેલ કરી. ૧૯૨૯માં ઉડ્ડયનના પ્રશિક્ષણ માટે જોધપુર ફ્લાઈંગ ક્લબમાં સરલાને દાખલ કરાવી. ફ્લાઈંગ ક્લબમાં આ પહેલાં કોઈ પ્રશિક્ષણ માટે આવી નહોતી. ૧૯૨૯માં પરંપરામાં પરિવર્તન આવ્યું. એકી અને એ પણ સાડી પહેરીને પ્રશિક્ષણ માટે આવી.
ફ્લાઈંગ ક્લબ માટે એક જુદા જ પ્રકારની આ સ્થિતિ હતી. પ્રશિક્ષકને થયું કે સરલા પાસે વિમાન અંગે પુસ્તકિયું જ્ઞાન જ હશે. એણે સરલાને હકીકતમાં હવાઈજહાજ કેવું હોય છે એ દેખાડ્યું. ખરેખર સરલા વિમાન બાબતે કેટલું જાણે છે એ જાણવા એને કેટલાયે સવાલો પૂછ્યા. સરલાની જીભે જવાબ હાજર જ હતા. એણે દરેક સવાલનો ત્વરિત જવાબ આપ્યો.
પ્રશિક્ષક સરલાની હાજરજવાબીથી પ્રભાવિત થયો. આઠ કલાકમાં એને વિશ્વાસ બેઠો કે સરલા વિમાન ઉડાડીશકશે. એણે સરલાને પ્રશિક્ષણ આપવાનું શરૂ કર્યું. સરલાએ પણ પૂરી તલ્લીનતાથી તાલીમ લીધી. તાલીમના દિવસો અંગે વાત કરતાં સરલાએ કહેલું કે, હું જાણતી હતી કે પુરુષોના ગણાતા ઉડ્ડયન ક્ષેત્રમાં એક મહિલા તરીકે હું મજબૂતીથી ઊભેલી, પરંતુ મારી સાથે પ્રશિક્ષણ લઈ રહેલા પુરુષોએ ક્યારેય મારો વિરોધ કર્યો નહોતો.
એક કારકુનને જોકે એક ઉડ્ડયનનું પ્રશિક્ષણ મેળવે એ ગમતું નહોતું. આ એક અપવાદ સિવાય મને કોઈ કટુ અનુભવ થયો નહોતો. ઊલટું, પુરુષોએ મારું સમર્થન કરેલું અને મારો આત્મવિશ્વાસ પણ વધારે લોપપ્રશિક્ષણ પૂરું થયા પછી સરલાએ ફુલાઈંગ ટેસ્ટ પાસ કરી. હવે એ પાઈલટ બનવા માટે તૈયાર હતી. નિયમ પ્રમાણે સરલાએ વિમાનચાલક બનવા માટેનો પરવાનો એટલે કે લાઈસન્સ મેળવવા માટે એક હજાર કલાક હવાઈ જહાજ ઉડાડવાનો અનુભવ મેળવવાનો હતો.
હવાઈ સુંદરી આસમાનમાં ઊડીને હવા સાથે વાતો કરવા લાગી. સરલાએ ઝડપથી એક હજાર કલાકનું ઉડ્ડયન પૂર્ણ કર્યું. એને એરમેલ લાઈસન્સ મળી ગયું. એકવીસ વર્ષની ઉંમરે સરલાએ પાઈલટ તરીકેનું લાયસન્સ મેળવ્યું. આવું લાઈસન્સ મેળવનાર એ પ્રથમ ભારતીય મહિલા હતી. એ પછી સરલાએ બીજી સિદ્ધિ મેળવી. ૧૯૩૬માં લાહોરમાં જિપ્સી મોથ નામના બે બેઠક ધરાવતા વિમાનમાં સોલો ઉડ્ડયન કર્યું.
સાડીનો પાલવ સંકોરીને, આંખે ચશ્માં ચડાવીને એણે વિમાન ઉડાડ્યું ત્યારે એ પરિણીત હોવાની સાથે ચાર વર્ષની દીકરીની માતા પણ હતી. એ ઉડાન વિશે વાત કરતાં સરલાએ કહેલું, ‘મને સોલો ઉડ્ડયન કરવા માટે પરિવારના સહયોગની જરૂર હતી. હું ઈચ્છતી હતી કે હું ઉડાન ભરું ત્યારે મારા પતિ હાજર હોયપ એવું જ થયું. મારી પહેલી ઉડાનથી મારા પતિ જ નહિ, મારા સસરા પણ ખૂબ ખુશ થયા.’ હવે સરલાએ વ્યાવસાયિકવિ માનચાલક તરીકેનો પરવાનો મેળવવાનું વિચાર્યું. આ પરવાનો મેળવવા સરલાએ જોધપુરમાં પ્રશિક્ષણ લેવાનું હતું, પરંતુ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે ! સરલાના પતિ પી.ડી. શર્માનું હવાઈ દુર્ઘટનામાં ઓચિંતું મૃત્યુ થયું.
સરલા અસહ્ય આઘાતમાં સરી પડી. દુઃખનું ઓસડ દહાડા.. સરલાએ જેમતેમ મન કાઠું કર્યું. પતિની ઈચ્છા પૂરી કરવા વ્યાવસાયિક વિમાનચાલકની તાલીમ લેવાનું શરૂ કર્યું. પણ નસીબ બે ડગલાં આગળ હતું. ૧૯૩૯માં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. એથી સરલાએ તાલીમ અધૂરી મૂકીને જોધપુરથી પાછા લાહોર આવવું પડ્યું. હવે એણે એકડે એકથી શરૂઆત કરવાની હતી.. લાહોરની મેયો સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ લીધો. ચિત્રકળા સાથે ફાઈન આર્ટસનો ડિપ્લોમા મેળવ્યો.
દરમિયાન ભારતના ભાગલા પડ્યા ત્યારે ૧૯૪૭માં સરલા પોતાની દીકરી સાથે દિલ્હી આવીને વસી. એક વર્ષ પછી, ૧૯૪૮માં આર.પી. ઠકરાલ સાથે પુનર્લગ્ન કર્યા. લગ્નને પગલે બીજી દીકરી થઈ. સરલાએ કુટિર ઉદ્યોગ શરૂ કર્યો. વો અને આભૂષણોની ડિઝાઈન બનાવવા લાગી.એની ડિઝાઈનો લોકપ્રિય થવા લાગી. એના અનેક ગ્રાહકોમાં એક વિજયલક્ષ્મી પંડિત પણ હતાં.
જીવનના અંતિમ શ્વાસ સુધી સરલા કાર્યરત રહી. ૧૫ માર્ચ ૨૦૦૮ના એનું મૃત્યુ થયું. પ્રથમ ભારતીય મહિલા વિમાનચાલકથી માંડીને વો અને આભૂષણોની ડિઝાઈન બનાવવા સુધીની સરલા ઠકરાલની સફર એક જ સંદેશ આપે છે.