આગળ આપણે જોયું કે વનસ્પતિ તેના પાન થી પ્રકાશ સંસ્લેષ્ણ દ્વારા પોતાના માટે, ધરતીની ઉપરની, જમીનની નીચેની અને જળચર સૃષ્ટિ માટે ખોરાક બનાવે છે. તે માટે નાં મુખ્ય ઘટક સૂર્ય પ્રકાશ, અંગારવાયુ અને પાણી છે. એટલે, હવામાંથી ખોરાક બનાવી જમીનનમાં કાર્બન ધકેલે છે. કુદરત અહી આપણાને એક વાત શીખવે છે, કાર્બન તો જમીનમાં સારો.
હવે જોઇએ, કાર્બન જમીનમાં કેમ સારો? આ વાતને જરા જુદી રીતે સમજીએ.
આ સમજવાની શરૂઆત આપણે, આપણા ઘેર થી કરીએ. આજકાલ તો આપણાં પીવાના પાણી માટે, ઘેર ઘેર RO સિસ્ટમ લાગેલી છે કે શહેર / ગામમાં એક મોટી RO સિસ્ટમ હોય ત્યાંથી બધા પાણી લાવતા હોય. RO સિસ્ટમ ની જરૂરિયાત કેમ પડી? આપણને મળતા પાણીના TDS (ટી ડી એસ) વધી ગયા. પીવાના પાણીમાં નાઈટ્રેટ નું પ્રમાણ વધી ગયું.. આ છેલ્લા ૫૦ વર્ષથી આપણે જે ખેતીમાં અંધાધુંધ વિવિધ અગ્રો કેમિકલ નો ઉપયોગ કર્યો તેનું આ પરિણામ છે.
એક સમય એવો હતો જ્યારે આપણે સીધું કૂવામાંથી પાણી ખેંચી, કપડા નાં ગરણે ગાળી પી લેતા પણ આજે કૂવામાંથી પાણી અદ્રશ્ય થયા અને બોરના પાણી સીધા પીવાલાયક ના રહયા. વાત અહી થી અટકતી નથી પણ બહુ મોટો સમાજ વિટામિન બી-૧૨ નાં અભાવમાં જીવતા થયો. હવે કોઈ કહેશે કે ખેતરને વિટામિન બી -૧૨ સાથે શું લેવા દેવા? RO આપણે જોઈતા મિનરલો અને બેક્ટેરીયાઓ ને પાણી માંથી કાઢી નાખી, આપણા શરીરમાં જરૂરી મિનરલોનો અભાવ ઊભો કરવાનું કામ કરે છે.
સાથે સાથે આપણો ખોરાક પણ સત્વહીન હોવાના કારણે જે વિટામિનો કુદરતી મળવા જોઈતા હતા તે મળતા અટકી ગયા. મને તો એટલું સમજાયું કે પાણી ખરાબ થયું તો મારો ધર ખર્ચ વધ્યો, મારી તંદુરસ્તી બગડી અને દવાઓ નો ખર્ચ વધ્યો. અહી એક સુધારો થઈ શકે, તમારા RO સિસ્ટમ ને ૧૫૦ થી ૨૫૦ TDS વાળા પાણી માટે સેટ કરવો, આ તકલીફમાંથી થોડી રાહત થશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જણાવે છે કે ૫૦૦ TDS સુધી નું પાણી પીવા લાયક છે. ઘણા લોકોની ફરિયાદ છે કે RO ના પાણી નો ઉપયોગ પછી વિટામિન બી-૧૨ નાં અભાવ ની તકલીફ ચાલુ થઈ છે.
મે અહી RO ની વાત એટલા માટે કરી, કે RO મા એક કેન્ડલ એક્ટિવેટેડ કાર્બનની હોય છે. અર્થાત પાણીના શુધ્ધિકારણમાં કાર્બનનુ મોટું મહત્વ છે. મે અહી RO ની વાત એટલા માટે કરી કે તમને એટલી ખબર છે કે પાણી બગડ્યા છે. તેની પાછળ ખર્ચ થતાં પૈસાની પણ ખબર છે. RO ના પાણીના ઉપયોગની આડઅસરો ની પણ ખબર છે. અને RO માં કાર્બન ની કેન્ડલ વપરાય છે તેની પણ ખબર છે. ૧૦૦ વાતની એક વાત, પાણી બગડે એટલે ખર્ચ વધે અને આપણી તબિયત દાવ પર લાગે.
આપણાં ભૂગર્ભ જળ સંગ્રહ ને ખેતર સાથે બહુ મોટી લેવાદેવા છે. રાસાયણિક ખાતરોનાં ઉપયોગથી સતત ઓછો થતો ભૂમિગત કાર્બન અને ભારેખમ કૃષિ સાધનો, ટ્રેકટરોનાં ઉપયોગને કારણે જમીનો સખત અને નીચે એક હાર્ડપાન વર્ષો વર્ષ તૈયાર થતું ગયું. (ઘરનો પાયો બનાવતી વખતે આપણે કુબો વાપરી જમીન સખત કરીએ છે તેમ.
બીજું ઉદાહરણ, ખેતરમાં એક જગ્યાએ થી ચાલતા જે પગદંડી બને છે તેમ.) વરસાદના પાણી જે પહેલા મોટા પ્રમાણમાં ભૂમિગત થતા હતા તે સખત જમીન અને નીચેના હાર્ડપાન ને કારણે હવે ખેતરની બહાર વહી જાય છે. જે નાના પ્રમાણમાં પાણી નીચે ઉતર્યા તે પોતાની સાથે આપણે નાખેતા રાસાયણિક પદાર્થો પણ લેતા ગયા. જેના પરિણામ સ્વરૂપે પાણીના TDS ધીમે ધીમે વધતા ગયા. એટલે જે ખેતરોમાં ફેરફાર થયા તે આ રીતે આપણા ધર સુધી પહોંચ્યા. ઘરમાં RO આ કારણે લગાવવા પડે છે.
હવે મોટા પ્રમાણમાં ખેતરના પાણી બહાર વહી જવાથી થતાં નુકસાન વિશે જાણીએ.
ભૂમિગત જળના સ્તરો નીચે ઉતારવા મડ્યા. તેથી મોટી મોટરોનો વપરાશ વધ્યો અને ખર્ચ વધ્યો. એક જગ્યા પર વિદ્યુત શક્તિ નો વધુ ઉપયોગ એટલે વિદ્યુત ઉત્પન્ન કરવાની જગ્યાએ પ્રદૂષણમાં વધારો.
આપણા ખેતરોની માટીના ઉપલા સ્તરનું ધોવાણ. આ માટી પોતાની સાથે નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને બીજા પોષક તત્વોને આપણા તળાવો અને નદીઓમાં લઈ જવા માડી. ૫૦ વર્ષ પહેલાં જે તળાવો ચોખ્ખા પાણી વાળા હતા તે આજે લીલ અને બીજી જળીય વનસ્પતિ થી ઢંકાઈ જાય છે. જેને માટે સરકાર કરોડોનો ખર્ચ કરે છે. આ તળાવો પણ વત્તા ઓછાં અંશે ભૂગર્ભ જળ પ્રદુષિત કરવામાં મદદ કરે છે.
આજકાલ રસ્તા બનાવવામાં અન્ય પ્રોજેક્ટ માટે બહુ મોટા પ્રમાણમાં માટી ની જરૂર પડે છે, એ માટે તળાવો ઉંડા થતાં જાય છે. શરૂઆત માં આવા ઊંડા કરેલા તળિયામાંથી બહુ મોટા પ્રમાણમાં પાણી ભૂગર્ભમાં ઉતરી જાય છે. આ પ્રદુષિત પાણી પણ આપણા ભૂગર્ભ જળ ને દુષિત કરે છે. પ્રથમ આપણી ખોરાક સાંકળ માં પ્રવેશી આપણા શરીરમાં પ્રવેશ કરે છે. ધીમે ધીમે આપણે એવો માનવ સમાજ તૈયાર કરી રહ્યા છે જેમાં દરેક માણસ કોઈને કોઈ બિમારી સાથે જીવતો હશે.
બધા પ્રકારના પાણી અંતે તો સમુદ્રમાં મળે છે. આ બધું પ્રદુષણ ત્યાં ઠલવાય છે. જરૂરથી વધુ પોષક તત્વો જ્યાં ઠલવાય છે ત્યાં ડેડ ઝોન તૈયાર થાય છે. આવી જગ્યાઓ પર દરિયાના પાણીમાં પ્રાણવાયુ નું પ્રમાણ નહિવત હોય છે. જેને કારણે દરિયાઈ જીવ સૃષ્ટિ ટકી શકતી નથી. આમ તો દરિયામાં ડેડ ઝોન કૂદરતી રીતે બનતા હોય છે પણ આજના સંદર્ભમાં તે ખેતરો માંથી ધોવાતા પોષક તત્વોથી બનતા હોય છે.
આનો અર્થ એ થયો કે ખેતરોમાં આપણી અજ્ઞાનતા, લોભ, જરૂરી બદલાવ સામે આંખ મીંચામણાંથી કેટલી મોટી તબાહી લાવી રહ્યા છીએ. હજી તો આ શરૂઆત છે. દુનિયા કરોડો વર્ષમાં જીવે છે. થોડા દાયકા પછી શું હાલત થશે? કુદરત આપણી, બધી જાણે અજાણે કરેલી ભૂલો ને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પાછી આપશે ત્યારે તેમની હાલત કેવી થશે? જરા શાંત ચિત્તે વિચારો, દરરોજ આપણે, આપણી આવનારી પેઢીઓ માટે કેવા ભયંકર નર્ક ની રચના કરી રહ્યા છે.
તો આનો ઉપાય શું?
આ પરિસ્થિતિને બદલવા માટે આપણી કે વિજ્ઞાન પાસે કોઈ જાદુઈ લાકડી નથી કે તેને ફેરવવાથી આપણે આપણા માટે અને આપણી આવનારી પેઢીઓ માટે સ્વર્ગ બનાવી દઈશું. આપણે જ મહેનત કરવી પડશે. જરૂરી બદલાવ લાવવા પડશે. પ્રથમ તો આપણે આપણા ખેતરોને પ્રવાહી કાર્બનથી તરબોળ કરવા પડશે.
જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારવું પડશે. ખેતરોને પૂરા વર્ષ દરમ્યાન લીલોતરીથી ઢાંકેલા રાખવા પડશે. તબક્કા વાર ઝેરી રસાયણો નો ઉપયોગ ઓછો કરી સદંતર બંધ કરીએ. પ્રાકૃતિક ખેતીના સિધ્ધાંતો અપનાવીએ. ખેતરોના શેઢે વધુ ઝાડ વાવવા પડશે. છેલ્લા ૫૦ વર્ષથી આપણે વધુ જ્ઞાની થયાં એટલે શેઢાના ઝાડો ને કાપી નાખ્યાં. આજે ખબર પડે છે, આપણા પૂર્વજો મૂર્ખ ન હતાં.
જમીનમાં જેમ જેમ કાર્બન નું પ્રમાણમાં વધતું જશે, ભુગર્ભ જળ ઉત્તમ થતું જશે. ઘરના RO માં એક કેન્ડલ એક્તિવેટેડ કાર્બન પણ છે. જ્યારે તમારા RO નો સર્વિસ કરનાર ભાઈને તેનું કારણ પૂછજો. જમીનમાં, કાર્બન કેમ વધારવો તેનું એક કારણ મળી જસે.
અમે તમને ખેતી કરવાનું શિખવવા નથી માગતા, તે તો તમને આવડે છે, અમારો હેતુ તો તમને તંદુરસ્ત રાખવાનો છે. અમે તો ખેતીમાં, કુદરતને સાથ આપી તેનો સહકાર મેળવવાના રસ્તા પર ચાલવામાં તમારા સહકાર મેળવવા માટે વિનંતીની વાત કરીએ છે. આપણા બાળકો માટે સ્વર્ગની રચના કરવા માટે ઝેરમૂકત જીવનશૈલી ની વાત કરવા માગીએ છે. મારી દૃષ્ટિએ આ રામકાજ છે. જ્યારે આપણે દેશમાં ભવ્ય રામ મંદિર બનાવી રહ્યા છે તો સાથે સાથે આપણા ખેતરની જમીનમાં સમાયેલા માતા સીતાજીને ઝેર ના પીવડાવી રામ ભક્તિ કરીએ.
હું ગુજરાતને ભાગ્યશાળી માનું છું. ભારતમાં પ્રથમ વાર પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે અને તે કાર્યરત પણ થઈ ગઈ છે. આપણે નશીબદાર એટલા માટે છે કે આપણા મહામુહિમ ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી પૂરા જોશથી ગુજરાતને ઝેર મુક્ત પ્રાકૃતિક કૃષિ થી આબાદ કરવામાં અગ્રેસર બન્યા છે. પ્રકૃતિ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડો. શ્રી સી.કે. તિમ્બડિયા સાહેબ જેવા અનુભવી તેનું સુકાન સાંભળી રહ્યા છે અને તેમની સાથે અનુભવી સહયોગીઓ અને અનુભવી ખેડૂતોની પૂરી ફોજ છે.