તા.14/4/23ના રોજ ગાંધીનગર ખાતે જે બૌદ્ધધમ્મ દીક્ષા ગ્રહણ કાર્યક્રમ થયો તે જોઈને લાગે છે કે આપના પેટમાં ઉકળતું તેલ રેડાયું છે અને જેથી આપે અનાપસનાપ નિવેદન આપ્યું એથી આપને અમારે કંઈક કહેવું છેકંઈક પૂછવું છે.
બાપુ હું પણ એ જ દલિત સમાજનો એક હિસ્સો છું જે દલિત સમાજના આપ સંત છો. આપના નિવેદનથી પૂછવાનું મન થાય છે કે જે દલિત સમાજે આપને ગાદીપતિ બનાવ્યા છે એ દલિત સમાજ પ્રત્યે આપનું કંઈ તો ઋણ હશે કે નહિ?
શું આપ એ ભૂલી ગયા છો?
શું માત્ર એક રાજકીય પાર્ટી માટે યા આપની રાજકીય મહત્ત્વાકાંક્ષા માટે આખા દલિત સમાજને નીચી બતાવા પર તુલી ગયા છો? શું આપમાં કોઈ શરમ-બરમ બચી છે કે નહિ? બાપુ, મેં આપની ઉનાકાંડ વખત ની એક વિડીયો ક્લિપ જોઈ હતી અને એ વખતે મને ખૂબ આનંદ થયો હતો.કેમ?
એમાં તમે સરકાર ને કડક શબ્દોમાં ચેતવણી આપી રહ્યા હતા કે જો આ ઘટનામાં તાત્કાલિક પગલાં લેવામાં નહિ આવે તો હું જાતે સરકાર સામે આંદોલન કરીશ. આપનો આક્રોશ જોઈ આખો સમાજ રાજીના રેડ થઈ ગયો હતો. આખો સમાજ તમારી પડખે આવી ઊભો રહ્યો હતો.
ગાંધીનગર ખાતે લગભગ પચાસ હજારથી પણ વધારે દલિત સમાજના લોકોએ હિન્દુ-ધર્મથી કંટાળીને બુદ્ધના મૈત્રીભાવવાળા, સમાનતાવાળા, બંધુતાવાળા અને સ્વતંત્રતા પ્રહેરી એવા બૌદ્ધ ધમ્મનો અંગીકાર કરી બૌદ્ધ ધમ્મમાર્ગે સ્વીકાર્યો છે.
આપે કહ્યું કે,"સમાજ પર થતા અત્યાચારોના આક્ષેપ વાહિયાત છે અને એ તથાકથિત લોકો દ્વારા ઊભા કરવામાં આવેલા છે. આમ કહેતા આપની જીભ કેમ કચડાઈ ના ગઇ. હવે જમીની હકીકત શું છે એ આપને પણ ખબર જ છે,આપ આપના હદય પર હાથ મૂકીને જે સત્ય છે એને સ્વીકારી કહો કે.
- શું દલિતો સાથે ભેદભાવ થાય છે કે નહિ?
- શું દલિતો પર પારાવાર અત્યાચારો થાય છે કે નહિ?
- શું આપને લાગે છે કે નહિ કે
- એક પાર્ટીને વફાદાર રહેવા સમગ્ર સમાજ સાથે બેવફાઇ કરી છે?
- સમાજ આપના આ નિવેદનથી આપને ધિક્કારે છે.
- આજ આપની સત્તા છે,કાલે જતી રહેશે પણ સમાજ કાયમ રહે છે.
- સંપૂર્ણ સમાજ આમેય રાજકારણીઓ પાસેથી બહુ અપેક્ષા રાખતો નથી એનો અહેસાસ આપને હશે?
- કેટલાય રાજકારણીઓ આવ્યા ને ગયા ખોવાઈ ગયા.
- આપ પણ કોઈક અતીતની ઊંડી ગર્તામાં ખોવાઈ જશો એ ખબર પણ નહીં પડે!!
- અમે થાનગઢનો હત્યા-કાંડ જોયો છે.
- અમે ચાર ચાર નવલોહિયા યુવાનોની લોહીથી લથબથ લાશો જોઈ છે.
- આ ચાર ચાર યુવાનોના પરિવારોના રુદનનું આક્રંદ જોયું છે.
- ચોધાર આંસુડે રડતાં એમના માતા-પિતા અને બહેનો ને જોયા છે.
બાપુ, અમે ઉનાકાંડ જોયો છે જાહેરમાં રસ્તા પર પીઠ પડતાં લાકડી પ્રહારો જોયા છે. નિર્દોષ યુવાનોને ગાડી પાછળ બાંધીને જે લાકડીના પ્રહાર થતાં હતાં એ માત્ર ઉના પૂરતા જ ન હતા,આખા દલિત સમાજની પીઠ પર એ પ્રહારો હતા.એ વેદના અમે અનુભવી છે. એ ઘટના પછી કેટલાય દિવસો સુધી અમને ઊંઘ નોહતી આવી. અમારી જેમ આખું સંવેદીત ગુજરાત ચોધાર આંસુડે રડ્યું હતું. અને આપ કહો છો કે આ આક્ષેપો વાહિયાત છે?
શું બાપુ આપ આઝાદી ના અમૃત મહોત્સવની વાત કરો છો? 1)આઝાદીના 75માં વર્ષે પણ એક યુવાનને પોતાના લગ્નમાં ઘોડે ચડવા પોલીસનું સંરક્ષણ માંગવું પડે છે.
શું આઝાદ ભારતમાં દલિતો ભારતના તમામ નાગરિકની જેમ નાગરિક નથી?
2)આઝાદીના 75માં વરસે યુવાન મૂછ ના રાખી શકે!!! આ કેવો હિંદુ ધર્મ છે? એ પોતાનો જ હિંદુ ધર્મ પાળતા દલિતો સાથે આવો વ્યવહાર કરે છે?આવી ગુલામી?
3)રાજસ્થાનમાં એક આઠ વર્ષના દીકરાને એટલા માટે મારી નાંખ્યો કે એણે એના એક સાહેબ(ગુરુ)ના માટલામાંથી તરસ લાગતા પાણી પી લીધું!!!કેવી ક્રૂરતા?
બાપુ,આપ કંઈ સમાનતાની વાત કરો છો
4)આજે પણ આપના આજુબાજુના ગામોમાં તપાસ કરો હજી પણ કોઈ વાળંદ દલિતોના વાળ કાપવા કે દાઢી કરવા માટે તૈયાર નથી!! ને આપ મુઠ્ઠીભર વોટ માટે અને પોતાના પક્ષને ખુશ કરવા તેમની આગળ પૂંછડી પટપટાવો છો? શરમ આવવી જોઈએ.
બાપુ,આપ ખૂબ સંવેદનશીલ હશો યા કરુણાની મૂર્તિ હશો પણ આ કરુણા અને સંવેદનશીલતા ત્યારે ક્યા દરમાં ઘૂસી જાય છે જ્યારે સમાજ પર અત્યાચારો થાય છે? આજે જ્યારે આખા ગુજરાતમાં ભવ્ય રેલી દ્વારા લાખો દલિતો બૌદ્ધ ધમ્મ તરફ જઈ રહ્યા છે. એ સમયે આપની પાર્ટી પર કઈ આંચ આવતી દેખાય કે જેથી બખોલમાંથી દોડી આવી પોતાની પાર્ટીનો બચાવ કરી રહ્યા છો? શરમ ના આવી?
બાપુ અમે દલિત સમાજની નાની નાની દીકરીઓ પર સવર્ણ સમાજના નાલાયકો દ્વારા બળાત્કાર થતા જોયા છે. મધરાતે માબાપને દીકરી આપવાને બદલે સરકાર દ્વારા એમની દીકરીની સળગતી લાશ જોઈ છે. મારા જેવા અનેક લાગણીશીલ માણસોની ઊંઘ વેરણ બની ગઈ હતી. એ વખતે આપનું કોઈ નિવેદન આવ્યું નહોતું!!
આપ તો એક સમાજના સંત છો એકલવ્યના અંગૂઠાથી લઈને રોહિત વેમુલા જેવા અસંખ્ય હોનહાર યુવાનોની હત્યાઓ થઈ રહી છે એ આપ જાણતા હોવા છતાં મોંમા મગ ભરી બેઠા છો! અમે ગુજરાતના યુવાનોએ અસંખ્ય સરકારી ભરતીના પેપર લીક થતા જોયા છે એ વખતે પણ આપ બોલ્યા નથી.
સત્તા કોના માટે?
સમાજ પ્રત્યે વફાદારી ના હોય તો સત્તા શું કરવાની આપ અમરપટ્ટો લઈને તો જન્મ્યા નથી.કાલે આપ પણ મરી જશો. આમ કરશો તો સમાજ આપના મરણ પર બે આંસુના ટીંપા નહીં પાડે. એથી આપને દુઃખ થતું નથી. આ રાજકારણના ચશ્મા ઉતારી એકવાર સમાજની વચ્ચે આવી જુઓ આપને આ બધું જ દેખાશે. આપ બાબાસાહેબ ડૉ.આંબેડકર કરતા મહાન છો આપે બાબાસાહેબ ડૉ.આંબેડકરને વાંચ્યા છે. એમના વિચારો અંગે ચિંતન કર્યું છે?
હિંદુ ધર્મના એક દલિત વર્ગના સંત થઈ આ આપને શોભતું નથી.આપના આવા નિવેદનોથી જે દલિત વર્ગના આપ સંત છો,એ બધાને નીચાજોણું આવ્યું છે. પોતાની ગાદી અને રાજકીય સત્તા ન જાય તેથી આપ સારાસારનો ભાન ભૂલી ગયા છો. આપનો અંતરઆત્મા જો હોય તો...આપને સાચો માર્ગ બતાવે એવી અભ્યર્થના.