હવે કઈ ટોપી સત્તા પર આવશે?

 ભારતને આઝાદી મળી ત્યારે નેતાઓ દ્વારા જે ટોપી પહેરી આઝાદીની લડતમાં ભાગ લેવામાં આવ્યો હતો તે ટોપી ઘણાં સમયથી કેજરીવાલ દ્વારા સોરી! અન્ના દ્વારા “મી અન્ના આહે”થી પ્રેરિત અન્નાની ટોપી પર “મૈં આમ આદમી હું” નું સોનેરી સ્લોગન લગાવી કેજરીવાલ રાજનીતીમાં મંગળ પ્રવેશ કર્યા તેનાથી પ્રદેશિક પક્ષો જે વર્ષોથી ખેવના રાખીને બેઠા છે તેવી સત્તા ટૂંક સમયમાં અને ટૂંકા સમય માટે કેજરીવાલના હાથમાં આવી.

ભ્રષ્ટાચારના વિરોધની બાંગો પોકારી દિલ્લીની સત્તા મેળવવા માટે ભ્રષ્ટાચારની પર્યાય એવી કોંગ્રેસના ખોળામાં બેસી ટૂંકી સત્તા મેળવી હતી. પરંતુ દિલ્હીની સત્તા પરથી આગળ વધી લોકસભાની સત્તા મેળવવા માટે “ત્યાગ મૂર્તિ” કેજરીવાલે દિલ્લીની સત્તાનો ત્યાગ કરી લોકસભામાં સત્તા મેળવવા માટે પગદંડી પકડી.

કેજરીવાલે સુરક્ષા લેવાની ના પાડી રાજનીતીમાં એક અલગ ચીલો ચાતરવાની કોશીષ કરી પરંતુ આ માર્ગ ખૂદ  કેજરીવાલને ભારે પડતો જણાય છે “આમ આદમી પાર્ટી”ના કેજરીવાલ પર આમ આદમી દ્વારા જ હુમલો થાય છે. તાજેતરમાં જ લાલી નામના રીક્ષા ડ્રાઈવર દ્વારા તેમને તમાચો ચોટી દેવામાં આવ્યો ત્યારે “લાલ ગાલ” સાથે કેજરીવાલ ધરણા પર બેઠા અને હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ પછી... તેમણે મહાપુરુષની જેમ લાફો મારનાર લાલીને માફ પણ કરી દીધો.

લાફો ખાવામાં આપના નેતાઓનો નંબર આવે છે. “આપ” ના જન્મ પહેલાં આપના નેતા પ્રશાંત ભૂષણ દ્વારા કાશ્મિર વિરોધી નિવેદન બદલ ભગતસિંહ ક્રાંતિ સેનાના તજેન્દ્ર પાલ બગ્ગી તેમજ વિષ્ણુ ગુપ્તાએ કાશ્મિર વિરોધી નિવેદન બદલ પ્રશાંત ભૂષણને સારો એવો “મેથીપાક” આપ્યો હતો. તેમ છતાં આ નેતા કાશ્મિર વિરોધી વિવાદાસ્પદ નિવાદનો આપવામાંથી બાદ આવતા નથી. કાશ્મિર બાબતે અલગાવવાદી નિવેદનોથી “આપ”ની વિચારધારા છતી થાય છે.

બિન સાંપ્રદાયિક્તાના ચોળા પહેરીને કાર્ય કરતી સેક્યુલર એન.જી.ઓ.નો સાથ લઈને “આપ” આગળ વધી રહી છે. જ્યારે તેમના જૂના સાથીઓ અન્ના, બિન્ની, કિરણ બેદી જેવા પ્રામાણિક લોકો “આપ” ને સાથ ક્યારને છોડી દીધો છે.

આપના વધતા જતા કદને લઈને વિકાસની રાજનીતી રમતા ભાજપને પણ થોડો ભયભીત કરી દીધું છે તો બીજી તરફ કોંગ્રેસને હાંસિયામાં ધકેલાઈ જવાનો ડર સતાવી રહ્યો છે.  કેજરીવાલનો “સાદગી”નો “દેખાવ” અન્ય પક્ષોને પણ “સાદગી”નો “દેખાવ” કરવા માટે મજબીર કરી દીધા છે. કેજરીવાલની “આમ આદમી”ની ટોપીની સામે ભાજપની “મોદી ફોર પી.એમ.”ની ભગવા રંગની ટોપી સાથે ટીવી પર જોવા મળે છે.

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર એવા નરેન્દ્ર મોદી “જેવો દેશ તેવો વેશ” ની ઉક્તિને ચરિતાર્થ કરતા જે દેશમાં સભાને સંબોધે તે દેશની ટોપી (પાઘડી) પહેરીને મતદારોને આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ એક વિશિષ્ટ પ્રકારની ટોપી પહેરવામાં નરેન્દ્ર મોદીને મુશ્કેલી કેમ પડી રહી છે.

અમદાવાદ પૂર્વ ભાજપનો ‘ગઢ’ ગણાય છે. સતત સાત ટર્મથી હરિન પાઠકે આ બેઠક પર પોતાનો દબદબો જાળવી રખ્યો હતો. પરંતુ આ વખતે ભાજપ દ્વારા “આયાતી ઉમેદવાર”ની છાપ ધરાવતા “દિગ્ગજ અભિનેતા” પરેશ રાવલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હરિન પાઠકને બેઠક ખાલી કરવા માટે મજબૂર કરવામાં  આવતા પૂર્વ વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓમાં કંઈક અંશે નારજગી જોવા મળી રહી છે તેનો સીધો ફાયદો કોંગ્રેસને મળી શકે તેમ છે. તેની સામે કોંગ્રેસ દ્વારા અમદાવાદના પૂર્વ મેયર અને કોંગ્રેસની પહેલી હરોળના નેતા એવા હિંમતસિંહ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.  

હિંમતસિંહ અમદાવાદના સ્થાયી નેતા છે અને સતત લોકોના સંપર્કમાં રહ્યા છે. ત્યારે પરેશ રાવલને અમદાવાદ પૂર્વના ભૂગોળની પણ કદાચ ખબર નહીં હોય તો શું પરેશ રાવલની ‘અભિનેતા’ની છબી પરેશ રાવલને ‘નેતા’ બનવામાં મદદ કરશે કે પછી જેમ રામ નામ પથરાં  તર્યા હતા તેમ મોદીની વિકાસની રાજનીતીમાં પરેશ રાવલ પણ તરી જશે કે કેમ તે તો મેના મધ્યાહનમાં જ ખબર પડશે.

દેશ-વિદેશનું પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મિડીયા, બિઝનેસમેન જેના ટ્‌વીટની રાજ જોતા હોય છે તેવા ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સમગ્ર દુનિયામાં ગુજરાતને ‘રોલ મોડલ’ તરીકે આગળ કરી દિલ્લીની ગાદી પર બેસવાનાનો માર્ગ બનાવી રહ્યા છે. ૨૦૧૪ની ચૂંટણીમાં કેજરીવાલના “વાયદા બજાર”, કોંગ્રેસની “રાજનીતી” કે નરેન્દ્ર મોદીની “વિકાસની રાજનીતી” આ ત્રણમાંથી કઈ નીતી તરફ આમઆદમી ઝુકશે તે જોવાનું રહ્યું. કેજરીવાલની “સાદગી” કે નરેન્દ્ર મોદીની “વિકાસ”ની છબી રંગ લાવશે તેનું ભાવિ અંદાજી શકાય છે. બાકી તો પછી જેની જેવી દૃષ્ટિ.

વિચાર મંથન : ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોષીએ નિવેદનઆપ્યું કે, “મોદી નહીં પણ ભાજપની લહેર છે” પણ ભાજપ પક્ષના ‘કમળ’નો ‘ભગવો’ રંગ ધીમે ધીમે વિકાસના‘શ્વેત’ રંગમાં રંગાઈ રહ્યો છે. ભાજપનું સ્લોગન “અબકી બાર ભાજપ સરકાર”ની બદલે “અબકી બાર  મોદી સરકાર” ઘણું બધું કહી જાય છે.

Post a Comment (0)
Previous Post Next Post