જાહેર ભોજન સમારંભમાં બુફે ચાલતુ હોય અને કોઇ સમાચાર લાવે કે ગુલાબજાંબુ ખલાસ થઇ રહ્યા છે તો ડાયાબીટીસનો પેશન્ટ પણ ટેબલ તરફ દોડે અને ગુલાબજાંબુનાં કાઉન્ટર પરથી ત્રણ-ચાર કે પાંચ જેટલા મળે તેટલા ઉપાડે..! માનવજાતની આ માનસિકતા છે કે જે વસ્તુ ઓછી હોવાના સમાચાર મળે તે લેવા માટે સામાન્ય દિવસોમાં લાગતી લાઇન કરતા અનેક ગણો ધસારો થાય. આજ માનસિકતા વિતેલા અઠવાડિયે કોમોડિટીનાં વેપારમાં પણ જોવા મળી. આગામી ચોમાસા પર અલનીનોની આફત હોવાનાં અહેવાલ આવ્યા કે તુરતજ કૃષિ કોમોડિટીનાં વેપારમાં અચાનક તેજીનો દાવાનળ ભભુક્યો હતો.
પરિણામે ગુવાર, મસાલા, સોયાબીન, જવ તથા ખાંડ જેવી સંખ્યાબંધ કોમોડિટીમાં લેણનાં વેપાર ઊભા રાખનારા રોકાણકારોને બે થી માંડીને ૧૦ ટકા જેટલુ આકર્ષક વળતર મળ્યુ હતુ. સપ્તાહ દરમિયાન ચણા તથા ધાણા જેવી એકાદ બે જણસોને બાદ કરતા બાકી બધી કોમોડિટી ઉંચા મથાળે બંધ રહી હતી.
કોમોડિટી કારોબારની સાપ્તાહિક સમિક્ષા
ગુવાર કોમ્પ્લેક્ષમાં વિતેલા સપ્તાહે સીડ અને ગમ બન્નેમાં રોકાણકારો ધૂમ કમાયા. ૧૦ ટકા જેટલુ વળતર મળવા માટે ખાસ કરીને મથકોએ આવકોનો ઘટાડો અને આગામી ચોમાસુ નબળુ રહેવાની અટકળોને માનવામાં આવે છે. દેશાવરની મંડીઓમાં વિતેલા સપ્તાહમાં સરેરાશ દૈનિક ૧૦૦૦ થી ૧૩૦૦ ટન ગુવારની આવકો નોંધાઇ હતી. છેલ્લા દિવસોની તેજીએ બજારની દિશા જરૂર બદલી છે, પણ ૬૦૦૦ રૂપિયાથી ઉપર ગુવાર જઇ શકે નહી કારણકે આ ભાવે ગમની થતી પડતર કરતા ઝેન્થમ જેવા અન્ય વિકલ્પો સસ્તા હોવાથી ગુવારની લેવાલી રૂંધાઇ જાય તેથી હવે માંડ ૧૦ ટકાની તેજીનો અવકાશ છે.
અલનીનોના ભયની સૌથી વધારે અસર તેલ તથા તેલિબીયામાં ખાસ કરીને સોયાબીન તથા તેના ઉત્પાદનોનાં ભાવમાં જોવા મળી હતી. પરિણામે સોયાબીન, સોયાતેલ તથા સોયાખોળમાં મુડી લગાવનારા રોકાણકારોના સપના સાકાર થયા હતા. અને સૌને એકંદરે ચારેક ટકા જેટલુ વળતર મળ્યુ હતુ. બાકી હોય તો વૈશ્વિક બજારમાં આર્જેન્ટિનામાં મિલ કામદારોની હડતાલ થવાની જાહેરાત થઇ છે, આગામી સિઝનમાં વરસાદ ઓછો થાય તો પણ સોયાબીનનો પાક ઘટશે. સ્થાનિક મંડીઓમાં મધ્યપ્રદેશમાં સોયાબીનની આવકો સાવ ઓછી જોવા મળી હતી. રાજસ્થાનમાં માંડ ચાર હજાર અને મધ્યપ્રદેશમાં માંડ છ હજાર બોરીની આવકો નોંધાઇ હતી.
સ્પાઇસીસ સેક્ટરમાં મરી, મરચા, હળદર તથા જીરૂ એમ તમામ મસાલા ઉંચકાયા હતા. મથકોએથી મળતા અહેવાલો પ્રમાણે ગુંટુરમાં ગત સપ્તાહની સરેરાશ દૈનિક ૭૦,૦૦૦ બોરીની આવકો સામે વિતેલા સપ્તાહે સરેરાશ દૈનિક ૫૦,૦૦૦ બોરી મરચાની આવકો નોંધાઇ હતી. ખપ પુરતી ખરીદી પણ નીકળી હોવાથી રોકાણકારોને ત્રણ ટકા સુધી વળતર મળ્યુ હતુ. મરીમાં વિતેલા સપ્તાહમાં રોકાણકારોને ચાર ટકા જેટલુ માતબર વળતર નસીબ થયુ.
માવઠાનાં કારણે છોડ પરથી ફૂલ ખરી ગયા હોવાથી ઉપજ ઓછી છે, વળી ભેજનાં કારણે ગુણવત્તા પણ ખરાબ થઇ છે. બાકી હોય તો નિકાસની ભારે પુછપરછ આવે છે. મરીમાં હજુ યુરોપ માટે નિકાસનાં ભાવ ૧૨,૩૦૦ ડોલર ચાલતા હોવાથી સ્થાનિક પડતર થતી હોવાના કારણે રોકાણકારોને લેણનાં વેપારમાં ફાયદો થઇ શકે.
ઊંઝા તથા જોધપુરમાં જીરાની સરેરાશ દૈનિક ૪૫,૦૦૦ બોરી માલની આવકો નોંધાઇ હતી. જોકે ઓણ સાલ ૬૫ થી ૭૦ લાખ બોરી જીરાનાં ઉત્પાદનનું અનુમાન છે. નીચા ભાવે સ્થાનિક લેવાલી પણ નીકળી હોવાનું દલાલો જણાવે છે. આમેયતે બજાર થોડુ ઓવર સોલ્ડ હતુ. જે હવે દિશા બદલી રહ્યુ છે.
રશિયા યેન કેન પ્રકારે ત્રીજા વિશ્વયુધ્ધનાં પેંતરા કરી રહ્યુ હોવાના અને તેની શરૂઆત યુક્રેનથી કરવાની રશિયાની ખોરી દાનત હોવાના યુક્રેનનાં વડાપ્રધાને કરેલા નિવેદનો બાદ વિતેલા સપ્તાહમાં સતત ચાર દિવસ સુધી બુલીયનનાં ભાવ વધ્યા હતા. બીજીતરફ ઓબામા રશિયા પર સીમા નિયંત્રણો લાદવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. તેથી ઇકોનોમી ડામાડોળ થવાની દહેશતે સોનાના ભાવ ઉછળ્યા હતા. આ ઉપરાંત સ્થાનિકમાં અખાત્રિજ અને મેરેજ સિઝનનાં કારણકે આગામી સપ્તાહે બુલીયનમાં ઘટાડે લેણ કરવાથી ફાયદો થઇ શકે.
અનાજ તથા કઠોળમાં વિતેલા સપ્તાહમાં બિયર ફેમ કોમોડિટી જવમાં અચાનક આકસ્મિક ઉછાળો જોવા મળ્યો હતો. અને નીચા મથાળે માલ ઉઠાવનારા રોકાણકારોને સાડા ચાર ટકા સુધીનો નફો રળવાની તક મળી હતી. ખાસ કરીને મથકોએ આવકોની ખેંચ તથા ગરમીમાં શરાબ બનાવતી કંપનીઓની લેવાલી વધતા આ તેજી દેખાઇ હોવાનું હોલસેલરો જણાવે છે.