૮૬,૮૦૦ વર્ષ અગાઉ નિર્માણ પામેલી શ્રી અજિત-શાંતિ ભગવાનની દેરીઓના જિર્ણોદ્ધાર પછી થનારી પુનઃ પ્રતિષ્ઠામાં ભાગ લેવા આશરે ૪૦,૦૦૦ જૈનો પાલીતાણા આવશે.
શ્રી શત્રુંજય તીર્થની નવટૂંકમાં પુનઃપ્રતિષ્ઠા
આ વર્ષના ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન મુંબઇ, સુરત અને અમદાવાદથી ભાવનગર જતી તમામ ટ્રેનોમાં બૂકીંગ ફુલ છે. આ સમયગાળામાં મુંબઇથી ભાવનગરની બધી ફલાઇટો પણ ભરાઇને જશે. જો ૧૯થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન કોઇ યાત્રિકને પાલીતાણાની ધર્મશાળામાં જગ્યા જોઇતી હશે તો તેણે અત્યારથી એડવાન્સ બૂકીંગ જ કરાવવું પડશે. આ દિવસોમાં પાલીતાણાની આશરે ૧૧૩ ધર્મશાળાઓની ૪,૦૦૦ રૂમો બુક કરાવી લેવામાં આવી છે.
પૂછો કેમ ? આ દિવસોમાં વિશ્વભરના આશરે ૪૦,૦૦૦ થી વધુ જૈનો પાલીતાણા આવવાના છે. તેઓ માત્ર શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવા પાલીતાણા નથી આવતાં, પણ એક ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા આવે છે, જે અજિત-શાંતિ પ્રભુની પુનઃ પ્રતિષ્ઠાનો પ્રસંગ જાણવા મુજબ પૂરાં ૭૩૮ વર્ષ પછી આવી રહ્યો છે. આ પ્રસંગ છે જૈનોના પવિત્રતમ તીર્થની નવ ટૂંક પૈકીની છીપાવસહિ ટૂંકમાં થનારી પુનઃપ્રતિષ્ઠાનો. જૈનોની નવી પેઢીએ ભાગ્યે જ શત્રુંજય તીર્થમાં પુનઃપ્રતિષ્ઠા જોઇ હશે; માટે જ નવી પેઢીના શ્રાવક-શ્રાવિકાઓ આ પ્રસંગનો લાભ લેવા થનગની રહ્યા છે.
શ્રી શત્રુંજય તીર્થાધિરાજની કુલ નવ વત્તા એક એમ દસ ટૂંક છે. જે ટૂંકમાં શત્રુંજય તીર્થાધિપતિ શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન છે તેને મુખ્ય ટૂંક તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય શત્રુંજયના પવિત્ર પહાડ ઉપર નવ અન્ય ટૂંકો પણ છે, જે ઇતિહાસના વિભિન્ન તબક્કે સ્થાપવામાં આવી છે. આ નવ ટૂંક પૈકી છીપાવસહિની ટૂંકમાં આવેલી શ્રી અજિતનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનની દેરીઓનો ચમત્કારિક ઇતિહાસ છે. આજથી આશરે ૮૬,૮૦૦ વર્ષ અગાઉ આ દેરીઓ સામસામે આવેલી હતી. એ વખતે ભરત ક્ષેત્રમાં જૈન ધર્મના ૨૨મા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનનું શાસન ચાલતું હતું. શ્રી નેમિનાથ ભગવાનના શાસનમાં દીક્ષા લેનારા નંદિષેણ મુનિ એક વખત શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ આવ્યા.
નવ ટૂંકમાં શ્રી અજિતનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનની દેરીઓ સામસામે જોઇને તેમને વિમાસણ થઇ, કે જો એક દેરીની સામે બેસીને ભક્તિ કરવામાં આવે તો બીજા ભગવાન તરફ પીઠ થાય અને તેમની ખાશાતના થાય. આ મૂંઝવણમાંથી માર્ગ કાઢવા નંદિપેણ મુનિ બે દેરીની વચ્ચે બેસીને સ્વરચિત અજિતશાંતિ સ્તવન દ્વારા બંને તીર્થંકર ભગવંતોની ભક્તિ કરવા લાગ્યા ત્યારે ચમત્કાર થયો. સામસામે રહેલી બે દેરીઓ ખસીને એકબીજાની પાસે આવી ગઇ અને નંદિપેણ મુનિની મૂંઝવણ ટળી ગઇ. મંદિપેણ મુનિએ છીપાવસહિની ટૂંકમાં રચેલા અજિતશાંતિ સ્તવનનું ગાન આજે પણ લાખો જેનો પક્ષી, ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ દરમિયાન અત્યંત ભાવથી કરે છે.
શ્રી શત્રુંજય તીર્થની છીપાવસહિની ટૂંકમાં આવેલી શ્રી અજિતશાંતિભગવાનની દેરીઓના દર્શનાર્થે દર વર્ષે લાખો યાત્રિકો આવતા હતા. કાળના પ્રભાવે આ દેરીઓ જર્જરિત બની ગઇ અને તેનો જિર્ણોદ્ધાર કરવાની આવશ્યકતા ઊભી થઈ. શ્રી શત્રુંજય તીર્થનો વહીવટ કરી રહેલી શેઠ આણંદજી કલ્યાણજી વિક્રમ સંવત ૨૦૬૪, પોષ વદ બારસ (ઇ.સ. ૨૦૦૮ ની ચોથી ફેબ્રુઆરી)ના શુભ દિને ખનન વિધિ સાથે આ પવિત્ર કાર્યનો શુભારંભ કર્યો. જૂની જર્જરિત બની ગયેલી દેરીઓના સ્થાને નવી સુંદર દેરીઓ બંસીપહાડપુરના ગુલાબી પાષાણમાંથી કંડારવામાં આવી.
જૈન ધર્મની પરંપરા મુજબ આ બે નવનિર્મિત દેરીઓમાં પ્રભુજીની પુનઃપ્રતિષ્ઠા કરવા માટેની ઉછામણીઓ શ્રી આણંદજી કલ્યાણજી દ્વારા બોલાવવામાં આવી. શ્રી અજિતનાથ ભગવાનની પુનઃ પ્રતિષ્ઠાનો લાભ અમદાવાદના વતની શ્રી માણેકલાલ મોહોલાલ ઝવેરી પરિવારને મળ્યો, તો શ્રી શાંતિનાથ ભગવાનની પુનઃ પ્રતિષ્ઠાનો લાભ કચ્છના રાપરગઢવાળી ગામના વતની માતુશ્રી તારાબહેન માણેકજી મોતા પરિવારને મળ્યો. આ બંને પરિવારોને નવ ટૂંકમાં પુનઃ પ્રતિષ્ઠા કરવાનો આ ઐતિહાસિક લાભ મળ્યો હોવાથી તેમનો ઉલ્લાસ દિન-પ્રતિદિન વધતો ગયો. સદીઓના ઇતિહાસને અજવાળતા આ મહોત્સવને યાદગાર બનાવવા માટે તેમણે જોરશોરથી તૈયારીઓ આદરી લીધી. આ માટેના ભવ્ય આયોજનનો પ્રારંભ આશરે એક વર્ષ અગાઉ કરી દેવામાં આવ્યો હતો.
શ્રી સિદ્ધાચલજી અજીત-શાંતિજિન પુનઃ પ્રતિષ્ઠા મહામહોત્સવ સમિતિ આ પ્રસંગનું સંચાલન કરી રહી છે. જેનુ કાર્યાલય ૨૪-એ, મુરાદ મેન્શન, પહેલે માળે, મારવાડી વિદ્યાલયની બાજુમાં, ઓપેરા હાઉસ, મુંબઇ - ૪૦૦ ૦૦૪ ઉપર આવેલું છે. તેમજ પાલીતાણા મુકામે કાર્યાલય નંદપ્રભા સામે આવેલ શ્રી જગજીવન ફુલચંદ ધર્મશાળા (ભાવનગરવાળા) પ્લોટમાં છે.
શ્રી અજિત-શાંતિ ભગવાનની પુનઃ પ્રતિષ્ઠાના મહામહોત્સવને ચિરસ્મરણીય બનાવવા શ્રી શત્રુંજય ગિરિરાજની તળેટીમાં નવ ટૂંકના મુખ્ય જિનાલયોની આંશિક પ્રતિકૃતિઓ તેમજ નવટૂંકના નિર્માતાઓની પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી રહી છે. પાલિતાણા નગરના તીર્થવાટિકા નામના ઉદ્યાનમાં ૪૪,૭૦૦ ચોરસ ફૂટના પ્રાંગણમાં ખાસ બંગાળથી આવેલા ૧૧૦ કારીગારો ૧૨૦ દિવસની જહેમતને અંતે આ દર્શનીય પ્રતિકૃતિ તૈયાર કરવાના છે.
ફાગણ સુદ બીજ (તા. ૨૩મી ફેબ્રુઆરી)ના પ.પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા દીક્ષા-વડીદીક્ષા શતાબ્દિ સ્મૃતિવર્ષ ઉજવણી અંતર્ગત નવલુ નજરાણું જેવી રત્નત્રયી મહાપૂજાનું લાભાર્થી પરિવાર દ્વારા ઉદ્ઘાટન થઇ દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવશે.
પ્રભુવીરને પંથે સંચરવા સજ્જ બનેલા મુમુક્ષુરત્નો આ શોભાયાત્રામાં વર્ષીદાન કરશે. સાથે સમેત શિખરજી આદિ તીર્થોની રક્ષા કાજે સળંગ અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરનારા ૧૬૦૦માં સળંગ અઠ્ઠમ તપના મહાતપસ્વીની શ્રીમતી દર્શનાબેન નયનભાઇ ઝવેરી પણ આ શોભાયાત્રામાં જોડાશે.
પાલીતાણા નગરના ઇતિહાસમાં કદી ન યોજાઇ હોય તેવી શોભાયાત્રા આ પવિત્ર પ્રસંગ નિમિત્તે ફાગણ સુદ પ્રથમ ત્રીજ (તા. ૨૪મી ફેબ્રુઆરી) એ આ શોભાયાત્રામાં દેવાધિદેવ શ્રી આદિનાથ ભગવાનને શ્રી શત્રુંજય કલ્યાણક રથમંદિરમાં બિરાજમાન કરવામાં આવશે. કેરળના વિખ્યાત ગુરુવાયુર મંદિરમાંથી લાવવામાં આવેલા આભૂષણો સહિતના મદોન્મત્ત ગજરાજો આ શોભાયાત્રાનું અનેરું હશે.
આ રથયાત્રામાં કેરળ ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના ગજરાજો પણ પોતાની હાજરી પૂરાવશે. કેરળનું વિશ્વપ્રસિદ્ધ તથા સિંગારીમેલમ પંચવાઘ પરંપરાગત બેન્ડ આ શોભાયાત્રામાં ચાર ચાંદ લગાવી દેશે. આ બેન્ડમાં કુલ ૧૪૯ વાજિંત્રકારો પોતાની કળાનું પ્રદર્શન કરતા હોય છે અને તેઓ માત્ર ધાર્મિક પ્રસંગે જ વાઘ બજાવે છે. ભારતભરના વિવિધ પ્રાંતોમાંથી આવેલા સેંકડો કલાકારો આ વરઘોડામાં હાજર રહીને પોતાની કળા શ્રી આદિનાથ ભગવાનને અર્પણ કરશે.
આ પ્રસંગે જૈન શાસનનો જયનાદ કરવા બીએસએફ, નેવી અને પોલીસ બેન્ડો પણ પોતાનું કૌવત દાખવશે, ફાગણ સુદ દ્વિતીય ત્રીજ (તા. ૨૫મી ફેબ્રુઆરી)એ પાલીતાણા નગરનાં જિનાલયોના પ્રભુજીને અંગરચના થશે અને દીવારોશની થશે. સંધ્યા સમયે દક્ષિણ ભારતમાં થતું ત્રિચુરાપુરમ કે જેને જોવા ને માણવા લાખો ટુરિસ્ટો ઉમટી પડતા હોય છે તેવું ‘પાલીતાણા પૂરમ’ તળેટીની મહાપૂજામાં જોવા મળશે. હરિદ્વારની ગંગા આરતી કરતા ચડીયાતી એવી ગિરિરાજની મહાઆરતી પણ જોવા-નિહાળવા મળશે.
દુનિયાના લાખો જેનો પ્રતિક્રમણ દરમિયાન જે પવિત્ર અજિતશાંતિ સ્તોત્રનો પાઠ કરતા હોય છે તેને પાલીતાણા નગરની તીર્થવાટીકામાં સંગીતના દિલ્પ સુરો સાથે ગૂંજવવાનું આયોજન ફાગણ સુદ દ્વિતીય ત્રીજના (તા. ૨૫મી ફેબ્રુઆરીએ) સવારના સમયે કરવામાં આવ્યું છે.
આ ભક્તિ સંગીતમાં ભારતના આઠ મશહુર ગાયકો શાસ્ત્રીય સંગીતના સથવારે શ્રી દિપેણ મહાનિરિચત શ્રી જિત્તાંતિ સ્તોત્રનું દિવ્યગાન કરશે. આ કાર્યક્રમમાં સંજય વિદ્યાર્થીના સંકલન હેઠળ રૂપકુમાર રાઠોડ, સચિન શિમયે, આલાપ દેસાઇ, જયદીપ સ્વાદિયા વગેરે કલાકારો ૮૦ સાજિંદાઓના સથવારે પ્રભુની સંગીતભક્તિ કરશે. આ કલાકારો પાલીતાણામાં સમૂહગાન કરતાં પહેલા મુંબઈમાં આ ભક્તિસંગીતના પાંચ રિહર્સલ કરશે. દીક્ષા ગ્રહણ કરનારા મુમુક્ષુઓના સન્માનનો ભવ્ય સમારંભ રાત્રે યોજવામાં આવશે.
આ પ્રસંગે સોનામાં સુગંધ ભળે તેમ ૧૫ મુમુક્ષુ આત્માઓ તીર્યવાટિકામાં ફાગણ સુદ ૪ (તા. ૨૬ ફેબ્રુઆરી)ના ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરશે. તે જ ઢળતી સંધ્યાને હજારો દીપમાલાના ઝળહળતા પ્રકારામાં પૂર્વાચાર્યો ચિત પ્રાચીન સ્તવનોનું ગુણગુંજન ઉપરોક્ત પ્રસિદ્ધ સંગીતકારો દ્વારા કરવામાં આવશે.
શ્રી અજિત-શાંતિ ભગવાનની દેરીઓની પુનઃપ્રતિષ્ઠા ફાગણ સુદ પાંચમ (તા. ૨૭ ફેબ્રુઆરી)ના શુભ દિને પાલીતાણામાં બિરાજમાન અનેક પૂજ્ય આચાર્ય ભગવંતોની નિશ્રામાં કરવામાં આવશે. જે આચાર્ય ભગવંતો આ પ્રસંગે હાજર રહી શકવાના નથી એવા ૧૭૮ પૂજ્ય આચાર્ય ભગવંતો દ્વારા અભિમંત્રિત વાસક્ષેપનો ઉપયોગ પણ આ પુનઃપ્રતિષ્ઠા માટે કરવામાં આવશે.
આ પ્રસંગે સમગ્ર શત્રુંજય ગિરિરાજના અભિષેકનું આયોજન કરવામાં આવશે. ખા માટે પવિત્ર ગિરિરાજ ઉપર શ્રી સુધર્માસ્વામી ગણપરે રચેલા પ્રભાતે સ્મરણીય ગિરિરાજના ૧૦૮ નામના ૧૦૮ ભવ્ય મંડપો બાંધવામાં આવશે અને તેમાં દિવ્ય ઔષધિઓ દ્વારા પુણ્યશાળીઓ આ ગિરિરાજની પવિત્રભૂમિનો અભિષેક કરશે.
આવો અભિષેક ૧૯૬૦ વર્ષ પહેલા થયો હતો જાવડસાએ ગિરિરાજનો સોળમો ઉદ્ધાર કરાવ્યો ત્યારે આવો ગિરિઅભિષેક થયો હતો અને ૨૧ વર્ષ પહેલા પણ શ્રી રજનીભાઇ દેવડી અને શાંતિચંદભાઇએ પણ આવો ગિરિ અભિષેક કરાવવાનો લાભ લીધો હતો. અને સાથે સાથે અંતિમ દિવસે અનેક સ્થળોએ દિવ્ય ગ્રૂપ પ્રગટાવવામાં આવશે, તેમજ ગિરિરાજ ઉપર બિરાજમાન તમામ ભગવાનની મૂર્તિઓના (પાંચ મુખ્ય સ્થાન સિવાય) ૧૮ અભિષેક વિધિપૂર્વક કરવામાં આવશે.
શ્રી શત્રુંજય તીર્થ જૈનોના પવિત્રતમ તીર્થોમાંનું એક છે. આ તીર્થના કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદ્ધિગતિને વર્યા છે. આ તીર્થની યાત્રા કરવા દુનિયાનો દરેક જૈન સદાય તત્પર અને તૈયાર હોય છે. સામાન્ય સંયોગોમાં પણ શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ હજારો ભાવિકો ઉમટતા હોય છે, તો જ્યારે આ તીર્થમાં કોઇ ઐતિહાસિક પ્રસંગ ઉજવાઇ રહ્યો હોય ત્યારે તેના સાક્ષી બનવા સૌ કોઈ તલપાપડ હોય એ સ્વાભાવિક છે. ફાગણ સુદ પ્રથમ ત્રીજથી ફાગણ સુદ ૫ (તા. ૨૪થી ૨૭ ફેબ્રુઆરી) દરમિયાન પાલીતાણાની યાત્રાએ આવનારા જૈનોના સ્વાગતની અને તેમની ભક્તિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓમાં હજારો સ્વયંસેવકો ભક્તિભાવથી પોતાના સમયનું સમર્પણ કરી રહ્યા છે.
સૌથી મોટી બાબત એ છે કે આ પ્રસંગે આવનારા આશરે ૪૦,૦૦૦ થી વધુ જૈનોની ભોજનભક્તિ બૂફે દ્વારા નહીં પણ બહુમાનપૂર્વક બેસાડીને કરવામાં આવશે. આ દરેક મહેમાનોને શક્યતઃ કાંસાના થાળીવાડકીમાં આરોગ્યપ્રદ અને સાત્ત્વિક ભોજન પીરસવામાં આવશે. રસોડામાં જૈન ધર્મના આચારોનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવશે. રાત્રિભોજનના મહાપાપથી બચવા સમિતિ તરફથી દરેક મહાનુભાવોને સાંજે ૫ વાગ્યા સુધીમાં જમવા પધારવા ટહેલ પાડવામાં આવી છે.
જૈન શાસનની પ્રભાવના કરતો આ પ્રસંગ સહુ કોઇના સમ્યગ્દર્શનની શુદ્ધિ/વૃદ્ધિનું કારણ બને અને પ્રભુઆજ્ઞાની સર્વત્ર પ્રતિષ્ઠા થાય એવી લાભાર્થી પરિવારોની અને શ્રી સિદ્ધાચલજી અજીત-શાંતિજિન પુનઃ પ્રતિષ્ઠા મહામહોત્સવ સમિતિની અંતરંગ ભાવના છે. આ પ્રસંગે જૈનધર્મની ભવ્યતા અને દિવ્યતા જોવા મળશે.